Today Gujarati News (Desk)
ડુંગળીએ ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડૂંગળીના નજીવા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને એક કિલો ડુંગળીમાં માત્ર અઢી રૂપિયાથી આઠ રુપિયા જેટલા જ ભાવ મળતા ખેડૂતોને રડાવ્યા છે. ખેડૂતોને મળી રહેલા આ ભાવમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળતો નથી. રાત દિવસ ખેતરમાં મહેનત કર્યા બાદ પણ આ હાલ થાત ખેડૂતો નિરાશ થયા છે.
તો બીજી બાજુ હળવદના ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ તો, ભલગામડાના ખેડૂતે 100 વીઘાની ડુંગળી પર રોટોવેટર ફેરવી નાંખ્યું છે. ગરીબોની કસ્તુરી ખેડૂતોને પાયમાલ કરી રહી છે. હળવદના ખેડૂતને ડુંગળીના ઉભા પાક પર રોટોવેટર ફેરવવું પડ્યું હતુ. જે ડુંગળી તૈયાર થઈને માર્કેટ પહોંચી તેમાં તો ખોટ છે જ, જે ડુંગળી ખેતરમાંથી કાઢી પેકિંગ કરી માર્કેટયાર્ડ પહોંચાડવાની બાકી છે.આ બધામાં પણ લાખના 12 હજાર થાય તેવી સ્થિતિ છે. ખેડૂતે જણાવ્યા પ્રમાણે, એક વીઘે ડુંગળીની વાવણી અને તૈયાર કરવા પાછળ અંદાજે 40 હજાર અને એકરે અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં બિયારણ, વાવણી માટે મજૂરી, નિંદામણ, દવા અને રાસાયણિક ખાતર સહિત ડુંગળી કાઢી કટ્ટામાં પેકિંગ કરવાના ખર્ચનો સમાવેશ થાય છે.
આ સાથે ભાવનગર જિલ્લામાં પણ ડુંગળીના ખેડૂતોમાં આવા જ હાલ છે. ડુંગળી વેચવા માંગતા ખેડુતોને માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર બે રૂપિયા કિલોની આસપાસનો ભાવ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો ન હતો.