Today Gujarati News (Desk)
ગુજરાત પોલીસમાં અચાનક ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કબૂતરબાજીના શંકાસ્પદ તપાસ કેસ અને અમદાવાદમાં મનપસંદ જિમખાના જુગારધામમાં પણ શંકાસ્પદ ભૂમિકા હોવાથી SMCના PI જી.એચ. દહીયાને ડીજીપી આશિષ ભાટીયાએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ ભરુચના બે પોલીસકર્મીઓને SPએ સસ્પેન્ડ કર્યા છે. તેમની પર સ્ટેટ મોનિટરીંગ સેલની જાસૂસી કરતા હોવાનો આરોપ છે. તે ઉપરાંત હજી વધુ પોલીસકર્મીઓ આ રડારમાં હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
SMCના PI જી.એચ. દહીયા સસ્પેન્ડ
જ્યારે ડીજીપી આશિષ ભાટિયા અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે SMCના PI જી.એચ. દહીયા તેમના રીડર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે પણ તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી રૂ.30 કરોડ લીધા હોવાની ફરિયાદ થઇ હતી. ફરિયાદના આધારે તેમની સામે તપાસ શરૂ કરાઈ હતી. વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભરૂચના બે પોલીસ અધિકારીઓ પણ સસ્પેન્ડ
ભરૂચના ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હોવાની માહિતી સામે આવી છે. વિભાગને બુટલેગરોની જે બાતમી મળતી હતી તે લાંબા સમયથી નિષ્ફળ જઈ રહી હતી. બંને પોલીસકર્મીઓ ગુજરાતના મોટા અધિકારીઓ સહિત ભરૂચની આજુબાજુના પોલીસકર્મીઓની જાસૂસી કરતા હતા અને બૂટલેગરોને આ માહિતી પહોંચાડતા હતા. હાલ ભરૂચ ટેક્નિકલ સર્વેલન્સ વિભાગના બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમની સામે ખાતકીય તપાસ કરવામાં આવી રહી છે.