Today Gujarati News (Desk)
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાની શરુઆત સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારથી અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની વચ્ચે વરસાદ થવાથી ડબલ ઋતુના બદલે ટ્રિપલ ઋતુનો અનુભવ લોકોને થઈ શકે છે.
અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “4,5 અને 6 તારીખે વરસાદ થઈ શકે છે, મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. મોટાભાગે રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે.”
અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે. આ કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ત્રણ દિવસ સુધીમાં થવાની આગાહી ડૉ. મનોરમા મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની આગાહી છે, પરંતુ કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાનમાં આવી રહેલા પલટાની અસર જોવા મળશે. વરસાદની સંભાવના વચ્ચે રાજ્યમાં આકરી ગરમી રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.