Today Gujarati News (Desk)
તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.
આ વિશે હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી મંડળ અને સરકારની પ્રાથમિકતા તમામ પરીક્ષાઓ સારી રીતે યોજાય તેવી છે. કમનસિબે પેપર લીક થયું, પરંતું ભવિષ્યમા આવુ ન બને તેવા પ્રયત્નો કરીશું. હું, વિકાસ સહાય સર તથા દિનેશ દાસા સતત પ્રયત્ન કરી રહ્યા છે. વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવા માંગીએ છીએ. પેપરલીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ચોરી ન થાય તે જરૂરી છે. તાલુકા કક્ષાએ પરીક્ષા લેવા માટે અગાઉ સારૂ આયોજન કર્યું હતું. પેપર ફૂટવા બાબતે કશું કહી ન શકું. પરિક્ષા કેન્દ્રોની તૈયારી છે. એપ્રિલ માસમાં પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવાશે. પેપરલીક કરનારને પકડ્યા છે. પોલીસે પ્રયત્નો કર્યા છે. પરીક્ષાનું પેપર લીક થતા પહેલા પોલીસે તકેદારી રાખી અને કેટલાક લોકો ઝડપાયા. તેથી પોલીસની કામગીરીને બીરદાવુ છું. બધા ઉમેદવારોને કહું છું કે, ક્યાંય પણ આવી ઘટના દેખાય તો જાણ કરે. અમે વ્યવસ્થા ઉભી કરીશું કે તમે ગેરરીતિ બાબતે જાણ કરી શકો છો. ભૂતકાળમાં પણ આવી વ્યવસ્થામાં જાણ કરવામાં આવી હતી. ઉમેદવારો પણ પ્રમાણિકતાથી પરીક્ષા આપે. ઉમેદવારો સતર્ક હશે તો પેપર ફોડવાવાળાને પકડી શકીશું.ગુજરાતમાં અત્યારસુધીમાં 12 પેપર ફૂટી ગયા છે. સરકાર પણ પેપર ફૂટી જવાની ઘટનાથી પરેશાન છે. પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, આ ઘટનાઓ બનતી રોકવા માટે હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સરકારે વાયદો કર્યો છે કે 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભાજપ સરકારે આ મામલે 2 રાજ્યોના નિયમોનો અભ્યાસ પણ કર્યો છે.