Today Gujarati News (Desk)
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રવિવારે સવારે 11 વાગ્યાથી યોજાવાની હતી. પેપર લીકની માહિતી સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાત સરકારની ટીકા કરતા કેજરીવાલે એક પત્રકારના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે, ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે. એનું કારણ શું છે? પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયુ છે. જુનિયર ક્લાર્કનું આ પેપર લીક થવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવે રવિવારે એક અખબારી નિવેદન બહાર પાડ્યું છે. સચિવે જણાવ્યું કે, રવિવારે સવારે પોલીસે GPSSBને જાણ કરી કે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયું છે. બોર્ડે તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન પહોંચવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પરીક્ષાની આગામી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.