Today Gujarati News (Desk)
આજે ઉત્તરાયણનો તહેવાર લોકો સવારથી જ ધાબે ચઢીને પતંગની મજા લઈ રહ્યાં છે. બીજી તરફ આ વર્ષે ઈમર્જન્સી કેસો પણ ગત વર્ષ કરતાં વધી ગયાં છે. 108 દ્વારા મળેલ માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગ્યા સુધીમાં 807થી વધુ ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષે 698 હતાં. તેની સરખામણીએ આ વર્ષે કુલ 109 કેસ વધુ નોંધાયા છે. 108 ઈમર્જન્સી સેવાના સીઈઓ જશવંત પ્રજાપતિએ યાદીમાં જણાવ્યું હતું કે, 108-ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસિસ અને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસિસનું સંચાલન કરતા ઇમરજન્સી મેનેજમેન્ટ કેન્દ્રોમાં તહેવાર દરમિયાન કટોકટીમાં અપેક્ષિત વધારા માટે તૈયાર છીએ.
55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો ઉમેરાશે
ગુજરાતમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ સાથે પ્રશિક્ષિત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને પાઇલોટ્સ સાથે મજબૂત હાજરી ધરાવે છે. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ ગુજરાતમાં 37 એમ્બ્યુલન્સ ધરાવે છે. જે મોટાભાગે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના શહેર વિસ્તારમાં રખડતા પ્રાણીઓની સારવાર કરે છે. કટોકટીના વધારાને પહોંચી વળવા માટે અમે કરૂણા અભિયાન દરમિયાન 55 એમ્બ્યુલન્સનો વધારાનો કાફલો ઉમેરી રહ્યા છીએ.
ડેટાઓના આધારે આ વર્ષનો ટ્રેન્ડ જણાવવામાં આવ્યો
ઉત્તરાયણના તહેવાર દરમિયાન 108 પર દોરીથી ઈજાની ઈમરજન્સી જાણ કરાય છે. દર વર્ષે સરેરાશ 150 થી 200 આવા કેસમાં ઈમરજન્સી સેવા આપવામાં આવે છે.મુખ્ય ઘટનાઓ મેટ્રો જિલ્લામાં નોંધાઈ છે જેમાં સૌથી વધુ ઘટના અમદાવાદમાં નોંધાઈ છે. 108 પર કરવામાં આવતા ઇમરજન્સી કોલ્સના ભૂતકાળના ડેટાઓના આધારે આ વર્ષનો ટ્રેન્ડ જણાવવામાં આવ્યો છે. આ ટ્રેન્ડના આધારે સામાન્ય દિવસોમાં 108 પર ઇમરજન્સી કોલ્સ 3353ની આસપાસ હોય છે. 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસે આ કોલ્સમાં 32.05%નો અને વાસી ઉતરાયણ 15 જાન્યુઆરીના રોજ 23.55%નો વધારો જોવા મળી શકે છે.