Today Gujarati News (Desk)
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પ્રદિપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલની નિમણૂંક કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પ્રદિપ પ્રજાપતિ ફરાર થઈ ગયેલ છે. હવે વિવાદ વધતાં અજાણ્યા શખ્સો દ્વારા યુનિવર્સિટીમાં પ્રદિપ પ્રજાપતિ વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
પોસ્ટરમાં લખ્યું જાણકારી આપનારને વળતર અપાશે
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે કે, પ્રદીપ પ્રજાપતિની જાણકારી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે. પોલીસને સહયોગ કરશો, 100 નંબર પર ફોન કરો અને સૌજન્ય જાગૃત નાગરિક બનો. જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
અગાઉ પણ પ્રદિપ પરમાર સામે ફરિયાદ થઈ હતી
પ્રદીપ પ્રજાપતિએ સમાજકાર્ય વિભાગમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પ્રોફેસર રંજન ગોહિલની હંગામી ધોરણે ઇન્ટરવ્યૂ વિના કાયમી ભરતી કરી દીધી હતી. જે મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટના આધારે ખોટી ભરતી કરવા બદલ પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અગાઉ વિદ્યાર્થીઓને હેરાન કરવા, છેડતી, જાતિવિષયક શબ્દો તથા કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધાઇ છે.