Today Gujarati News (Desk)
ગુજરાત વિકાસના પંથે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સતત આગળ વધી રહ્યું છે પણ આ સાથે સાથે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે. કહેવાય છે કે વિકાસ હોય તો દેવું થવાનું છે કારણ કે રૂપિયા વિના વિકાસ પણ શક્ય નથી. ગુજરાત સરકારનું દેવુ રૂપિયા ૩,૦૦,૯૬૩ કરોડને પાર થયુ છે અને એ જ રસ્તે હવે રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓનો વહિવટ આગળ વધી રહ્યો છે. પાલિકાઓના પાણી અને વીજળી બીલનું બાકી લ્હેણું રૂપિયા ૧,૧૬૦ કરોડે પહોંચ્યુ છે. જો, ગુજરાત સરકાર દ્વારા પાલિકાઓને ચૂકવાતી સહાય બંધ કરી દેવાય તો આ સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ વણસી જશે. થોડા દિવસ પહેલાં જસદણ પાલિકાનું વીજકંપનીએ કનેક્શન કાપી નાખતાં સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. જેઓએ માંડ માંડ કનેક્શન રિસ્ટોર કરાવી લાઈટ ચાલુ કરાવી હતી. પાલિકા સત્તાધિશો વેરાઓની ઉઘરાણી ન કરી શકતા આ બોજ સરકાર પર પણ વધી રહ્યો છે. પાણી પુરવઠા અને વીજકંપનીઓના તોતિંગ બિલો પાલિકા પર ચડી રહ્યાં છે. 157માંથી ઘણી નગર પાલિકાઓ આ બિલો ચૂકવવામાં અસમર્થ છે કારણ કે એમની વસૂલાત ઓછી છે.
ગુરૂવારે રાજ્યની તમામ નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ મળી હતી. જેમાં ૧૫૦ શહેરી સંસ્થાની આર્થિક વિકાસનું પ્રેઝન્ટેશન કરાયું હતું. હાલમાં ૧૫૭ નગરપાલિકાઓને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાણી પુરૂ પાડે છે. વોટર ચાર્જિસ પેટે સરકારના આ બોર્ડને રૂપિયા ૬૧૦ કરોડ લેવાના બાકી નીકળે છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ સહિત વીજ વપરાશ પેટે રૂપિયા ૫૫૦ કરોડનું બીલ વિવિધ ઉર્જા કંપનીઓને લેવાનું થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાઈનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે. રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રીએ કુનેહપૂર્ણ અભિગમ દાખવી આ આગવો નિર્ણય કર્યો છે. વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાયનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી.
કોન્કલેવ પહેલા જ મુખ્યમંત્રીએ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની તાંત્રિક અને વહિવટી મંજૂરી માટે પાલિકાકક્ષાએ સમિતિ રચીને નાણાકીય સત્તાઓ વહેંચ્યા હતા. સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે તેમણે ચીફ ઓફિસરના અધ્યક્ષપદે સમિતિ રચવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે અનુસાર અ વર્ગની પાલિકાઓની સમિતિને રૂપિયા ૫૦ લાખ, બ- વર્ગની પાલિકાને ૪૦ લાખ, 5- વર્ગને રૂ.૩૦ લાખ અને ડ- વર્ગની પાલિકા રૂ.૨૦ લાખ સુધીના કામો સમિતિ મારફ્તે મંજૂર કરાવી વિકાસની રફ્તાર વધારી શકશે, પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.૬૨૩ કરોડની સામે માંડ રૂ.૨૨૮ કરોડની જ વસૂલાત થઈ રહી છે. આ સ્થિતિમાં દેવાળું ફુંકાય અને પાણી અને વીજ કનેક્શન કાપી ન દેવાય તેના માટે સરકાર પોતે સીધી ગ્રાન્ટમાંથી જ પાલિકાઓ વતી બીલ ચૂકવીને વહિવટનું સંતુલન કરી રહી છે. આથી, તમામ પાલિકાઓને કડકાઈ પૂર્વક વસૂલાત, આવકના નવા સ્ત્રોત ઉભા કરવા, વેરાના વર્ષો જૂના દરો વધારવા મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ સુચના આપી છે. હવે સરકારની આ સુચનાનો કેટલો અમલ થાય છે તેના પર સૌની નજર છે.
મુખ્યમંત્રીએ આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.
તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૫૦ લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૪૦ લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને ૩૦ લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા ૨૦ લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કર્યો છે.