Today Gujarati News (Desk)
સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યાઓ પર ભરતી કરશે. પોલીસ વિભાગમાં કુલ 27 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટેના આદેશ અનુસાર ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટોમાં પોલીસ વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે તે અંગેની તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ બાબતે સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સ્વીકાર્ય કર્યો છે કે ગુજરાત પોલીસ વિભાગમાં 21.3 ટકા જગ્યા ખાલી છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં કુલ 27 હજાર અને સ્ટેટ રિઝર્વ ફેર્સની કુલ જગ્યાઓમાંથી 4 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ સાથે સરકારે કહ્યું હતું કે ચાલુ વર્ષે પોલીસ વિભાગમાં 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આગામી સુનાવણી 21મી ઓગસ્ટના રોજ થશે
ગુજરાતમાં 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની માહિતી સરકારે આપી છે. આ ઉપરાંત કુલ 22 હજાર જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. ગુજરાત હાઈકોર્ટે રેલી, સરઘસ અને સભા માટે ચાલતા મુદ્દાને લઈને પણ આદેશ કર્યો છે. આ આદેશ અનુસાર ગુજરાત સરકાર રેલી કે યાત્રાનું આયોજન કરે તે પહેલા પોલીસે બહાર પાડેલા જાહેરનામાં અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને તમામ વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે. આગામી સુનાવણી 21મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે.