Today Gujarati News (Desk)
ભારતમાં કોવિડ-19 સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરના સરકારી આંકડામાં બે અઠવાડિયામાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં 3.5 ગણો વધારો જોવા મળ્યો છે. મોટાભાગના કેસ તે રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે જેમાં પહેલેથી જ વધુ કેસ હતા.
દિલ્હીમાં ચાર જિલ્લા, કેરળ અને મહારાષ્ટ્રમાં બે-બે અને ગુજરાતના એક જિલ્લામાં સૌથી વધુ સાપ્તાહિક ટેસ્ટમાં પોઝિટીવ રેટ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રના આંકડા અનુસાર 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 10 ટકા કે તેનાથી વધુ સાપ્તાહિક કેસ ધરાવતા જિલ્લાની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર 19 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 63 જિલ્લામાં 19-25 માર્ચના અઠવાડિયામાં રેટ 5થી 10 ટકા નોંધાયો.
સૌથી વધુ સાપ્તાહિક કેસમાં વધારામાં દિલ્હી સામેલ છે. દક્ષિણ દિલ્હીમાં 13.8 ટકા ટેસ્ટ પોઝિટીવ દર, પૂર્વી દિલ્હીમાં 13.1 ટકા, ઉત્તર-પૂર્વી દિલ્હીમાં 12.3 ટકા અને મધ્ય દિલ્હીમાં 10.4 ટકા પોઝિટીવ મળ્યા. કેરળમાં વાયનાડ (14.8%) અને કોટ્ટાયમ (10.5%), ગુજરાતમાં અમદાવાદ (10.7%) અને મહારાષ્ટ્રમાં સાંગલી (14.6%) અને પૂણે (11.1%) સામેલ છે. કેન્દ્રની તૈયારી
કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે લોકોને સાવચેતી રાખવાનો આગ્રહ કર્યો છે. ખાસ કરીને કમજોર સ્વાસ્થ્ય ધરાવતા લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવા પર જોર આપવામાં આવ્યુ છે. રાજ્યોને ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને માનવ સંસાધનો સહિત હોસ્પિટલોને પાયાના જરૂરિયાતોનું સંચાલન નક્કી કરવા માટે 10 અને 11 એપ્રિલે તમામ સ્વાસ્થ્ય સુવિધાઓમાં મોક ડ્રિલ કરવાની સલાહ આપી.