Today Gujarati News (Desk)
ગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર, એમાઝોન, માઈક્રોસોફ્ટ, મેટા સહિતની ટોચની કંપનીઓની સાથે હવે અગાઉ જાહેર કર્યા અનુસાર ગૂગલની પેરન્ટ આલ્ફાબેટે 12,000 નોકરીઓ કાપવા
નો નિર્ણય કર્યો છે. 12,000 કર્મચારીઓની સંખ્યા કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના 6 ટકા કરતા પણ વધારે છે.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ શુક્રવારે એક ઈમેલમાં કર્મચારીઓને જણાવ્યું હતું કે, “આ સ્થિતિએ પહોંચવા બદલ તમામ જવાબદારીઓ હું સ્વીકારૂં છું. આ છટણી વૈશ્વિક સ્તરે અને દરેક સેગમેન્ટમાં અસર કરશે. આલ્ફાબેટ આ છુટ્ટા કરાયેલા કર્મચારીઓને અમેરિકામાં 16 અઠવાડિયાનું પગારભથ્થુ અને છ મહિનાના આરોગ્ય લાભો ચૂકવશે અને અન્ય જગ્યાએ ત્યાંના કાયદા અને નિયમો આધારિત ચૂકવણી થશે.
એચઆર કન્સલ્ટિંગ ફર્મ ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્ક. અનુસાર 2022માં સૌથી વધુ નોકરીમાં કાપ ટેક સેક્ટરમાં જ જોવા મળ્યો હતો. ગત વર્ષે 97,171 છંટણી થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 649% વધારે છે.
તાજેતરમાં જ ગૂગલે નેક્સ્ટ જનરેશન પિક્સેલબુક લેપટોપ રદ્દ કરીને, ક્લાઉડ ગેમિંગ સેવા, સ્ટેડિયાને કાયમી ધોરણે બંધ કરીને ખર્ચ ઘટાડવાના તબક્કાવાર પગલાં લીધાં છે. જાન્યુઆરીની શરૂઆતમાં આલ્ફાબેટના બાયોટેક યુનિટ, વેરિલીએ જણાવ્યું હતું કે તેઓ પણ 15 ટકા સ્ટાફને છુટ્ટા કરશે.