Today Gujarati News (Desk)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાના ત્રીજા રથને લીલીઝંડી બતાવી રવાના કર્યો. આ અવસરે રેલીને સંબોધતા અમિત શાહે પૂર્વોત્તરના રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પર આકરા ચાબખાં માર્યા હતા. તેમણે કહ્યું કે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય ત્રણેય જગ્યાએ કોંગ્રેસનો સુપડો સાફ થઈ ગયો. હાર્યા તો હાર્યા પણ એવા હાર્યા કે હવે દૂરબીનથી પણ નથી દેખાતા
અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપની એન્ટ્રી સામે સવાલો ઊઠ્યા હતા પણ ત્યાં બીજી વખત ભાજપ અને એનડીએની સરકાર બની રહી છે. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે તમારી હાજરી જણાવે કે કર્ણાટકમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર રચાવાની છે.
બુધવારે ચંપરાજનગર જિલ્લાના માલે મહાધીશ્વરાથી ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રથમ રથને રવાના કર્યો હતો. તેના પછી ગુરુવારે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે બેલગાવીના નંદાગઢથી બીજા રથને લીલીઝંડી બતાવી હતી. જ્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીદર જિલ્લાના બાસવકલ્યાણમાં ત્રીજા રથને લીલીઝંડી બતાવી. ચારેય દિશાઓમાં ચાર રથના માધ્યમથી 8000 કિ.મી.ની યાત્રા થવાની છે. આ યાત્રા 31 જિલ્લા અને 224 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થશે. આ દરમિયાન 80થી વધુ રેલીઓ અને 150થી વધુ રોડ શૉ કરાશે. કેન્દ્ર અને રાજ્યના 50થી વધુ મોટા નેતા આ સંપર્ક અભિયાન સાથે જોડાશે.