Today Gujarati News (Desk)
કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો સત્તા પર પગદંડો જમાવવા કમરકસી રહ્યા છે. અહીં દિગ્ગજ નેતાઓ ઉપરાંત સેલિબ્રિટિઓની રેલીઓ તેમજ રોડ-શો પણ યોજાઈ રહ્યા છે, ત્યારે ફરી સરકાર બનાવવા ભાજપે પણ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચામરાજનગર જિલ્લાના ગુંડલૂપેટમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન હજારો સમર્થકો રસ્તા પર જોવા મળ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રોડ શો દરમિયાન અમિત શાહનું વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મૈસૂર પરત ફર્યા બાદ તેઓ સાંજે ઉત્તર કર્ણાટકના હુબલી માટે વિશેષ વિમાન દ્વારા રવાના થશે. અહીં અમિત શાહ પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી કાર્ય સમિતિની બેઠક કરશે.કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ
કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.
કર્ણાટકમાં 5.2 કરોડ મતદારો
રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે. આ મતદારોમાં 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મતદાન કરી શકશે. આ ઉપરાંત 1 એપ્રિલે 18 વર્ષની ઉંમરના લોકો પણ મતદાન કરી શકશે. 100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત રહેશે.