Today Gujarati News (Desk)
ગીર-સોમનાથ જિલ્લામાં મોટો સમુદ્રકિનારો આવેલો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જિલ્લાનાં કેટલાક સમુદ્રકિનારાના બંદરો અને ગામો પર જોખમ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, આગામી 50 વર્ષમાં કેટલાક બંદરો ડૂબી શકે છે…!! ત્યારે આ બાબતને લઈને ખૂબ ચિંતાજનક માહોલ બની ગયો છે. આ સાથે પોરબંદરથી જાફરાબાદ સુધીની દરિયાઈ પટ્ટી સિસ્મિક ઝોન 4માં આવે છે. તેથી અહીં ભૂસ્તરીય હિલચાલ પણ સતત થતી રહે છે.
છેલ્લા 2 દાયકાથી દિન-પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં વિષમતા વધી રહી છે તો ઋતુચક્રમાં પણ બદલાવ આવી રહ્યો છે. વિશ્વનાં મોટા ભાગનાં દેશો આ બાબતે ચિંતિત છે. જો આપણાં દેશની જ વાત કરીએ તો તાજેતરમાં ઉત્તરાખંડના જોશીમઠની સ્થિતિ અતિચિંતાજનક છે. ધરતીના પેટાળમાં થતી આંતરિક હિલચાલની અસર તાત્કાલિક દેખાતી નથી. પરંતુ તે લાંબાગાળે ભયજનક બને છે.
50 વર્ષમાં બંદરો ડૂબે તેવી શક્યતા
અમદાવાદ પણ સિસ્મિક ઝોનમાં આવે છે. ત્યારે હવે જો આપણે નહીં સમજીએ તો બાબા વાંગાની ભવિષ્યવાણી કદાચ સાચી પણ પડી શકે! વૈજ્ઞાનિકો પણ ચિંતા સાથે ભય પણ વ્યક્ત કરી રહ્યા છે કે, ‘જો હવે આપણે નહીં સમજી એ તો વિશ્વના સમુદ્રકિનારાના અનેક શહેરો અને ગામો ડૂબી શકે છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. આ વાતને સમર્થન આપતી ઘટનાઓ પણ ગીર સોમનાથ જિલ્લાનાં સમુદ્રીકિનારાના પ્રદેશમાં જોવા મળી રહી છે. ગીરના કેટલાક સમુદ્રકિનારાના શહેરો અને ગામોમાં સમુદ્ર આગળ વધી રહ્યો છે. જેમાં કોડીનારનું મૂળદ્વારકા બંદર, માઢવાડ બંદર અને કોટડા બંદરનો સમાવેષ થાય છે. તો સુત્રાપાડા, ધામળેજ અને વેળાકોટ બંદરમાં પણ સમુદ્ર આગળ વધી રહ્યો છે. આ જોતા લાગે છે કે આગામી 50 વર્ષમાં આ બંદરો ડૂબી જાય તો નવાઈ નહીં!
પહેલાં દરિયો 200-250 મીટર દૂર હતો
ગીર-સોમનાથ જિલ્લાનાં માઢવાડ અને મૂળદ્વારકા બંદર તેમજ દિવ વિસ્તારનાં માછીમારો અને ગ્લોબલ વોર્મિંગના જાણકારો એવું જણાવી રહ્યા છે કે, વર્ષો પહેલાં સમુદ્ર વર્તમાન કિનારાથી 200થી 250 મીટર દૂર હતો. જે હાલ આગળ આવી ગયો છે. ગ્લોબલ વોર્મિંગની આજ સ્થિતિ રહી તો આવતા વર્ષોમાં સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને બંદરો ડૂબી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ, ગ્લેશિયરો પણ ઓગળી રહ્યા છે.
સમુદ્ર આગળ વધવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ
કોડીનારના મૂળદ્વારકા અને માઢવાડ બંદરના કેટલાક મકાનો તો હાલ વાસ્તવમાં ડૂબી ગયા છે! સમુદ્રનું આગળ વધવાનું મુખ્યતઃ કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે. માણસની ભૌતિક જરૂરિયાતો વધી રહી છે, તેને કારણે સુખાકારી અને આધુનિકતા આગામી વર્ષોમાં ભયજનક નીવડી શકે છે. કાર્બન ઉત્સર્જનને કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. તો વળી, વિકાસની આંધળી દોડ પણ કેટલાક અંશે જવાબદાર છે. મહાકાય કંપનીઓ સમુદ્રકિનારે બંદર વિકસાવે તે માટે જેટ્ટી પણ બનાવે છે. આ માટે દરિયો પૂરવો પડે છે. તેથી સમુદ્રને ધક્કો લાગે છે. તેને કારણે દરિયાઈ પાણી બીજા તરફ આગળ વધે તે સ્વાભાવિક છે. સમુદ્રમાં રહેલું પાણી ઘટવાનું તો નથી! ગ્લેસિયરો ઓગળવાને કારણે આમ પણ સમુદ્રમાં પાણી વધી રહ્યું છે.
લોકોમાં ગ્લોબલ વોર્મિંગને લઈને ઓછી જાગૃતતા
ગીર વિસ્તારની દરિયાઈ પટ્ટી પર આવેલા ઘણા નાના બંદરોની સ્થિતિ હાલ પણ નાજુક છે. કોટડા, માઢવાડ, મૂળદ્વારકા સહિતના બંદરોમાં સમુદ્ર આગળ વધી રહ્યો છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. ધરતીના પેટાળમાં હલચલ વધી રહી છે. ત્યારે જો ગીરના નાના એવા માછીમારોને પણ ખ્યાલ આવે છે કે, દરિયો આગળ વધી રહ્યો છે, તો સામાન્ય લોકો અને વૈશ્વિક નેતાઓ શા માટે આ સંદર્ભે જાગૃતતા નથી દર્શાવાતા? ગ્લોબલ વોર્મિંગ સામે સમગ્ર વિશ્વએ હવે જાગવું પડશે. સામૂહિક પ્રયત્ન કરવા પડશે તો જ આ ધરતીને બચાવી શકાશે.