Today Gujarati News (Desk)
શ્રીનગરમાં ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન હિમવર્ષા વચ્ચે જ આ સમારોહ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સમારોહમાં હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે હવે દેશની નજર કોંગ્રેસ પર છે. કાશ્મીર ચાલીને આવવું તે ઘર જેવું જ લાગ્યું. નફરતની રાજનીતિથી કોઈનું ભલું નહીં. તેમણે કહ્યું કે ભારત યાત્રાને સંપૂર્ણ સમર્થન મળ્યું.
રાહુલે શું કહ્યું જાણો…
શ્રીનગરમાં આવેલા શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગાંધીજીથી શીખ્યું છે કે જીવવું કઈ રીતે. આપણે ડર વિના જ જીવવાનું છે. હું ચાર દિવસ સુધી અહીં કઈ રીતે પગપાળા ચાલીને આવ્યો. મારી ટી-શર્ટનો રંગ બદલીને લાલ કરી દેશે તો પણ ચાલશે. હું ડરવાનો નથી. મેં જેવું વિચાર્યું હતું અને એવું જ થયું. જમ્મુ-કાશ્મીરના લોકોએ મને હેન્ડ ગ્રેનેડ નહીં પણ પ્રેમ આપ્યો. દિલ ખોલીને પ્રેમ આપ્યો. પ્રેમથી અશ્રુઓથી મારું સ્વાગત કર્યું.
ખડગેએ કહ્યું – રાહુલની યાત્રા ચૂંટણીલક્ષી નહોતી
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે રાહુલની આ યાત્રા ચૂંટણીલક્ષી નહોતી. કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ યાત્રા ચૂંટણી જીતવા માટે કે કોંગ્રેસ પાર્ટીને આગળ વધારવા માટે નહીં પરંતુ નફરત વિરુદ્ધ અવાજ ઊઠાવવા માટે યોજવામાં આવી હતી. જેને ઝળહળતી સફળતા મળી છે.
ભારત જોડો યાત્રાની શરુઆત 7 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતથી કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન આજે શ્રીનગરમાં થવા જઈ રહ્યું છે. તેના માટે આયોજિત સમાપન સમારોહમાં સામેલ થવા માટે 12 વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે. જોકે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય પક્ષોએ સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. ભારત જોડો યાત્રાની શરુઆત 7 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતથી કરાઈ હતી. જેમાં કુલ 3970 કિલોમીટરની પગપાળા યાત્રા કરવામાં આવી. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન શ્રીનગર પહોંચીને રાહુલ ગાંંધીએ ભારત જોડો યાત્રામાં લાલચોક પર તિરંગો પણ ફરકાવ્યો હતો.