Today Gujarati News (Desk)
આવતીકાલે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં 9.53 લાખ ઉમેદવારો બેસવાના છે. રાજ્યના 3 હજાર જેટલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ સાથે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઘણા પરીક્ષા કેન્દ્ર એક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂરના નાનકડા તાલુકામાં પણ સેન્ટર આપવામાં આવ્યું છે.
પરીક્ષા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે
અમદાવાદના ઉમેદવારોને સુરત, ભાવનગર, મહેસાણા, દાહોદ, પાલનપુર વગેરે જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર અપાયા છે. અમદાવાદથી આ જિલ્લાઓમાં જતી બસોની માગ વધુ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 30 જેટલી બસો પરીક્ષાર્થીઓ માટે બુક થઈ ચૂકી છે. જ્યારે રેલવે દ્વારા આવતીકાલે પરીક્ષા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે ટ્રેન દોડશે. ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચેની એક સ્પેશિયલ ટ્રેન ભાવનગર, સિહોર, ધોળા, બોટાદ, બાવળા, સરખેજ ઉભી રહેશે. જ્યારે જૂનાગઢથી રાજકોટ વચ્ચેની બે ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનોએ ઉભી રહેશે.
બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરાઇ
GPSSBના ચેરમેન હસમુખ પટેલે ઉમેર્યું હતું કે, એસટી વિભાગે પણ વધારાની બસો મૂકી છે. એ માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરાઈ છે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લઈ જવા માટે પણ બસોની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ જ્યારે પરત જતા હશે, ત્યારે બસ સ્ટેશનો ઉપર અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ માગ્યો છે. સાથે જ મિટિંગમાં પોલીસને પણ એ અંગેની સૂચના આપી દેવામાં આવી છે.
રિક્ષા એસોસિએશન સાથે પણ વાતચીત કરાઈ
હસમુખ પટેલે જણાવ્યું હતું કે, કેટલીક જગ્યાએ રિક્ષા એસોસિએશન સાથે મીટિંગ કરીને ઉમેદવારોને પોતાના સ્થળ ઉપર પહોંચવામાં મુશ્કેલી ન પડે, એમની પાસે વધારે ભાડું લેવામાં ન આવે એ માટે પણ બેઠકો કરવામાં આવી છે. કેટલાક પોલીસ એકમોએ ઉમેદવારોને પહોંચાડવા વાહનોની વ્યવસ્થા પણ કરી છે. પોતાના પોલીસ સ્ટેશનના નંબરને હેલ્પલાઇનના નંબર તરીકે પણ રાખ્યા છે.