Today Gujarati News (Desk)
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવતીકાલે સીબીઆઈની પૂછપરછ પહેલા આજે પત્રકાર પરિષદ કરી હતી. તેમાં તેમણે કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. તેમણે ED અને CBI પર દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ બંને એજન્સીઓએ ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે જેના કારણે મનીષ સિસોદિયા આજે જેલમાં છે.
કેજરીવાલે કહ્યું કે, સિસોદિયા પર 14 ફોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. કેજરીવાલે કહ્યું કે, આ ફોન ચાલુ છે પરંતુ કોર્ટમાં ખોટા તથ્યો રજૂ કરીને સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. કેજરીવાલે કહ્યું ED, CBIએ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો, 400થી વધુ દરોડા પાડ્યા પરંતુ તે રકમ તેમને ન મળી.
કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 75 વર્ષોમાં કોઈ પણ પાર્ટીને આમ આદમી પાર્ટીની જેમ ટાર્ગેટ કરવામાં ન આવી. અમે લોકોમાં સારા શિક્ષણની ઉમ્મીદ વ્યક્ત કરી અને તેઓ ઉમ્મીદને ખતમ કરવા માંગે છે. જે દિવસે મેં દિલ્હી વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો એ દિવસે જ હું જાણી ગયો હતો કે, હવે આગામી નંબર મારો જ છે.