Today Gujarati News (Desk)
આજના આધુનિક યુગમાં ફોન માનવીના જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. આજે મોટાભાગના લોકોને ફોનની એવી આદત પડી ગઈ છે કે તેઓ સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવા જાય ત્યાં સુધી ફોન હાથમાં હોય છે. આ ઉપરાંત ઘણા લોકો ટોયલેટ જતી વખતે પણ તેને પોતાની સાથે લઈને જતા હોય છે. પરંતુ આ આદત મોટી સમસ્યા બની શકે છે. ડોક્ટરોના મતે પુરુષોએ ફોન લઈને ટોઈલેટ ન જવું જોઈએ કારણ કે આ આદત વ્યક્તિ માટે જીવલેણ બની શકે છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ બેક્ટેરિયા ધરાવતા પેશાબના છાંટા ઘણા દિવસો સુધી શૌચાલય અને જાહેર શૌચાલયમાં રહેતા હોય છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે પેશાબના છાંટા ત્રણ ફૂટ સુધીના અંતર સુધી પહોંચી શકે છે. ફ્લશિંગ સમયે પેશાબ છ ફૂટ દૂર સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિના હાથમાં રહેલા ફોન સુધી પહોંચવાની સંભાવના રહેલી છે. મળ-મુત્રમાં ઘણા બેક્ટેરિયા અને વાયરસ હોઈ શકે છે. જ્યારે તમે ટોઇલેટ ફ્લશ કરો છો, ત્યારે બેક્ટેરિયા ફેલાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુરિનલ ફ્લશ કરવાથી 5.5 સેકન્ડમાં 57 ટકા બેક્ટેરિયાના કણો વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આ કણો ઘણા દિવસો સુધી વ્યક્તિ પાસે રહેતા હોય છે અને તેને બીમાર કરી શકે છે.વર્ષ 2021માં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે 9,800 પુખ્ત વયના લોકોમાંથી 65 ટકા લોકો ટોઇલેટમાં તેમના ફોનનો ઉપયોગ કરે છે. એક સામાન્ય માન્યતા છે કે તમારા ફોનને બીજા હાથથી પકડવાથી જંતુઓનો ફેલાવો ઓછો થશે અને તે તમારા ઉપકરણથી દૂર રહેશે, પરંતુ આ ખોટી માન્યતા છે. ડોકટરોના મત પ્રમાણે જાહેર શૌચાલય ઘણીવાર સંપૂર્ણપણે સ્વચ્છ હોતા નથી અને તે બેક્ટેરિયાના હોટસ્પોટ હોય છે. તમે કોઈપણ વસ્તુને સ્પર્શ કરો છો, ત્યારે ખતરનાક જંતુઓ અને બેક્ટેરિયા તમારા હાથ સુધી પહોંચી શકે છે. જેમ કે તમે દરવાજાને સ્પર્શ કરો, બાથરૂમ ફ્લશનો ઉપયોગ કરો. ત્યા સુધી કે જો તમે દિવાલને સ્પર્શ કરશો તો પણ તમે બેક્ટેરિયા તમારા સુધી પહોચી શકે છે. આ જગ્યાઓ E coli, Streptococcus, Hepatitis A અને E જેવા બેક્ટેરિયા માટે પ્રજનન સ્થળ હોય છે. આના કારણે ઝાડા, તાવ, શિગેલા જેવા જીવલેણ રોગો થઈ શકે છે.