Today Gujarati News (Desk)
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સાંજના સમયે ટીટોડા ફાટક પાસે બાઈક સ્લીપ ખાઈ જતા કલોલ રેલવે પૂર્વ ખાતે રહેતા યુવાનનું ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લાના મુખ્ય હાઇવે માર્ગો અને આંતરિક માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ટીટોડા પાસે ગઈકાલે સાંજના સમયે બાઇક લઈને પસાર થઈ રહેલા કલોલના યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતા મોત નિપજ્યું હતું.
આ મામલે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ બહુચરાજી ખાતે રહેતા અને મૂળ કલોલના બીપીનચંદ્ર કચરાભાઈ જાદવે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ ૩૭ વર્ષીય કેતનભાઇ પરિવાર સાથે કલોલ ખાતે રહેતા હતા અને ગઈકાલે કામ અર્થે ગાંધીનગર ગયા હતા. જ્યાંથી કામ પૂરું કરીને તેઓ કલોલ આવવા માટે નીકળ્યા હતા તે સમયે વાવોલ ટીટોડા માર્ગ ઉપર ફાટક પાસે તેમનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ તો આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.