Today Gujarati News (Desk)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો. ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના પ્રીરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવાજોગ નોંધ કરી છે.
ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે. બન્ને દેશના વડાપ્રધાન અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયો હતો.
અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભડકાઉ ઉચ્ચારણો કરી ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો.’ આ આખો મેસેજ અંગ્રેજીમાં છે, જેને રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો છે.