Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશમાં તંદૂરી રોટલી જેની પસંદગી વાનગી છે તો તેના માટે ખરાબ સમાચાર છે. હવે મધ્ય પ્રદેશના મહાનગરમાં જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં તંદૂરી રોટલી ખાવા મળશે નહિ. વધતા વાયુ પ્રદૂષણને જોતા સરકારે તંદૂર પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ સરકારના આદેશનું પાલન ન કરવા પર પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને રોકવા માટે સરકારે આંખ લાલ કરી છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. મધ્યપ્રદેશના ખાદ્ય વિભાગે આ આદેશ જાહેર કર્યો છે. રાજ્યના ધાબા-હોટલોના સંચાલકોને ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ધાબા-હોટલોના સંચાલકોને થશે મુશ્કેલી
ખાદ્ય વિભાગે જાહેર કરેલા આદેશમાં હોટલ અને ધાબાના સંચાલકોને સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે લાકડા-કોલસાવાળા તંદૂરનો ઉપયોગ કારશો નહીં. તેના બદલે ઇલેક્ટ્રિક ઓવન અથવા LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. મધ્ય પ્રદેશની તંદૂરી રોટી ખૂબ જ પ્રસિદ્ધ છે. રાજ્યમાં લોકો તંદૂરી રોટલી ખાવાના ખૂબ જ શોખીન છે. પરંતુ રાજ્ય સરકારની આ આદેશ બાદ તંદૂરી રોટલીના શોખીનોને જ આંચકો લાગ્યો અને સાથે ધાબા-હોટલોના માલિકોની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે.
રાજ્યના મુખ્ય શહેરોનો હવા ગુણવત્તા સૂચકાંક
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ મુજબ, ગ્વાલિયરનો હવા ગુણવત્તા સૂચકાંક 329 પર પહોંચી ગયો છે, જ્યારે ભોપાલનો હવા ગુણવત્તા સૂચકાંક 299, કટની 263, પીથમપુર 260, મંડીદીપ 260, જબલપુર 214, સિંગરૌલી 253 પર પહોંચી ગયો છે. જેથી વધતા પ્રદૂષણને ધ્યાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.