Today Gujarati News (Desk)
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે આપણાં ઘરમાં કોઇપણ છોડ કે વૃક્ષ રોપતા પહેલા તેની સમગ્ર માહિતી એકઠી કરી લેવી જોઈએ. કારણ કે, ઘણીવાર એવું બને છે કે ઘરને સુંદર બનાવવાના ચક્કરમાં આપણે અજાણતા જ કોઇ એવો છોડ ઘરમાં લઇ આવીએ છીએ કે જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ જાય છે ! એટલે કે, ખુશહાલી માટે લાવેલ છોડ આપના ઘરમાં દુર્ભાગ્યનું કારણ બની જાય છે. કેટલાક લોકોને ગાર્ડનીંગનો ખૂબ શોખ હોય છે. ઘરને સુંદર અને સકારાત્મક બનાવવા માટે આપણે ઘણા પ્રકારના છોડ ઘરમાં લઇ આવીએ છીએ જે ઘરમાં લગાવવાથી આપને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય. પરંતુ, ઘણી વખત તેનાથી વિપરીત સ્થિતિ જ જોવા મળે છે. આવો, આજે એ જાણીએ કે કેવાં છોડ ઘરમાં ભૂલથી પણ ન રાખવા જોઈએ.
બાવળનું વૃક્ષ
આયુર્વેદમાં બાવળના વૃક્ષને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. બાવળનું વૃક્ષ એક ઔષધીય વૃક્ષ માનવામાં આવે છે. પરંતુ આ વૃક્ષમાં કેટલીક નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. એટલે જ એવું કહેવાય છે કે ભૂલથી પણ ઘરની અંદર કે બહારની તરફ આ વૃક્ષ ન ઉગાડવું જોઇએ. સાથે જ આ વૃક્ષમાં ખૂબ જ કાંટા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વૃક્ષમાં કાંટા હોય તે જીવનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે !
આંબલીનો છોડ
બાવળના વૃક્ષની જેમ જ આંબલીના વૃક્ષમાં પણ ખૂબ કાંટા હોય છે. તેમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે. એટલે આ વૃક્ષને ઘરમાં કે ઘરની આસપાસ લગાવવું નહીં. તેની સાથે જ જો જમીનમાં પહેલાથી જ આંબલીનું વૃક્ષ ઉગી ગયું હોય તો ત્યાં મકાનનું બાંધકામ ન કરવું જોઇએ.
મહેંદીનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર મહેંદીનો છોડ પણ ઘરની અંદર કે બહાર ન લગાવવો જોઈએ. કેટલાક લોકો આ છોડને પોતાના ઘરમાં લગાવે છે. પરંતુ, આ છોડને ક્યારેય ઘરમાં ન લગાવવો જોઇએ. માન્યતા અનુસાર મહેંદીના છોડમાં નકારાત્મક આત્માઓનો વાસ હોય છે ! એટલે જ્યાં પણ આ છોડ લગાવો ત્યાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે ! સૂકાયેલા છોડ કે વૃક્ષને દૂર કરો
શાસ્ત્રોમાં લીલાછમ છોડ અને વૃક્ષ ખુશહાલી અને સુખ સમૃદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ, જો કોઈ છોડ કે વૃક્ષ સુકાઇ રહ્યું હોય અથવા તો ધીરે ધીરે સડી રહ્યું હોય તો તેને તરત જ દૂર કરી દેવું જોઇએ. સૂકાયેલા છોડ કે વૃક્ષમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેનાથી આપના કાર્યો અટકી જાય છે. માન્યતા અનુસાર સૂકાયેલ અને ખરાબ થયેલ છોડ કે વૃક્ષ જો ઘરમાં હોય તો પરિવારના સભ્યોને દુઃખ અને મુસીબતનો સામનો કરવો પડે છે. એટલે એ જ હિતાવહ છે કે આવા છોડ અને વૃક્ષને ઝડપથી દૂર કરવામાં આવે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)