Today Gujarati News (Desk)
‘વારિસ પંજાબ દે’ પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના ગણાતા પપલપ્રીત સિંહની ધરપકડ કર્યાના એક દિવસ બાદ પંજાબ પોલીસે વીડિયો મેસેજ જાહેર કર્યો છે. પંજાબ પોલીસે મંગળવારે ભાગેડુ અમૃતપાલ વિરુદ્ધ વીડિયો મેસેજ જાહેર કરીને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે તમે ભાગી શકો છો, પરંતુ કાયદાની નજરથી બચી નહીં શકો.
પંજાબ પોલીસે ટ્વીટર અને ફેસબુક પર પહેલા અને બાદની તસવીર શેર કરતા લખ્યુ કે તમે ભાગી શકો છો, પરંતુ કાયદાની નજરથી બચી નહીં શકો. આ સાથે જ તેમણે પપલપ્રીતની ધરપકડનો વીડિયો પણ શેર કર્યો છે. પંજાબ પોલીસે કહ્યુ કે અમે લોકોને વિસ્તારમાં શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાનો આગ્રહ કરીએ છીએ.
પોલીસ મંગળવારે સવારે અમૃતસરથી પપલપ્રીત સિંહને લઈને આસામના ડિબ્રૂગઢ જેલ માટે રવાના થઈ. પપલપ્રીત સિંહ પર પાકિસ્તાનના ISIના સંપર્કમાં હોવાના આરોપ પણ લાગ્યા છે. ઉલ્લેખનીય છેકે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે. અમૃતપાલ સિંહ 30 માર્ચે એક વીડિયોમાં જોવા મળ્યો અને ભાગેડુ હોવાનો ઈનકાર કરતા કહ્યુ કે તે ટૂંક સમયમાં જ દુનિયા સમક્ષ આવશે.