Today Gujarati News (Desk)
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવીણ તોગડિયાએ વસતી નિયંત્રણ કાયદો લાવવાની માગ કરી હતી. તોગડિયાએ કહ્યું કે વસતી નિયંત્રણ કાયદાનો અભાવ અને વસતીમાં અસંતુલન એ ચિંતાનો વિષય છે. અનેક પ્રયાસો પછી હવે રામમંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યું છે અને જો વસતી નિયંત્રણ કાયદો નહીં લવાય તો પછી 50 વર્ષ બાદ દેશમાં રામમંદિર સુરક્ષિત નહીં રહે.
તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ એકજૂટ થઇને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે અને રામમંદિરના નિર્માણ માટે એક મોટું આંદોલન ચલાવ્યું હતું. હિન્દુઓએ ગામે ગામ જઈને લોકોનું સમર્થન મેળવ્યું અને રામમંદિર માટે ભંડોળ એકત્રિત કર્યું. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી.
જ્ઞાનવાપી મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો
હિન્દુ નેતા પ્રવીણ તોગડિયાએ જ્ઞાનવાપી મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં મંદિર હતું અને તે સાબિત થઈ ગયું છે. બાબા વિશ્વનાથ જ્ઞાનવાપીમાં બિરાજિત છે અને ત્યાં હવે શિવલિંગની પૂજા ન કરવી પાપ ગણાશે. તેમણે માગ કરી હતી કે અહીં જલદી પૂજા શરૂ કરવામાં આવે.
મિસાઈલો અને તલવારો પણ શાંતિના પ્રતીક
પ્રવીણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે યુપીના સીએમ આદિત્યનાથની બુલડૉઝર શાંતિ અને વિકાસનું પ્રતીક હોઈ શકે છે તે ટિપ્પણીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે તલવારો અને મિસાઈલો પણ શાંતિના પ્રતીક હોઈ શકે છે.