Today Gujarati News (Desk)
ભારતે મેડિકલ સુવિધાઓના ફીલ્ડમાં ઝડપથી વિકાસ કર્યો છે અને ભારત દવાઓ સહિત અનેક પાયાની સુવિધાઓ મામલે આત્મનિર્ભર થવાની દિશામાં અગ્રેસર છે. દરમિયાન હજુ પણ દર વ્યક્તિએ ડૉક્ટરની સંખ્યા મામલે ભારત ઘણું પાછળ છે.
સંસદમાં સરકારે આ માહિતી આપી
સંસદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં 13,08,009 એલોપેથિક ડૉક્ટર રજિસ્ટર્ડ છે. જોકે આયુર્વેદના 5.65 લાખ ડૉક્ટર રજિસ્ટર્ડ છે. આ રીતે જોવામાં આવે તો એલોપેથિક ડૉક્ટરોની સંખ્યા 80 ટકા છે. વસતીના પ્રમાણમાં આ ખૂબ જ ઓછા છે એટલે કે 834 લોકોની સામે માત્ર એક જ ડૉક્ટર છે.
મેડિકલ પ્રોફેશલની વિગતો માગી
સંસદમાં યુપીના અમરોહાથી લોકસભા સાંસદ કુંવર દાનિશ અલીએ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સવાલ કર્યો હતો કે શું સરકાર એ રિપોર્ટની જાણકારી ધરાવે છે જે જણાવે છે કે દેશમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ પ્રોફેશનલની ભારે અછત છે? અને જો હાં તો તેના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સંબંધિત કોઈ વિગત છે?
સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું…
તેના જવાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે કહ્યું કે એનએમસીથી પ્રાપ્ત માહિતી અનુસાર જૂન 2022ની સ્થિતિના હિસાબે એનએમસીમાં 13,08,009 એલોપેથિક ડૉક્ટર રજિસ્ટર્ડ છે. દેશમાં 5.65 લાખ આયુષ ડૉક્ટર છે. આ ઉપરાંત દેશમાં 35.14 લાખ રજિસ્ટર્ડ નર્સિંગ કર્મચારી છે.