Today Gujarati News (Desk)
૨૨ પોલીસીહોલ્ડરો સાથે છેતરપિંડી કરવા અને લાવારિસ પોલીસીના ૨.૩૮ કરોડ ઉપાડી લેવા બદલ એક અગ્રણી વીમા કંપનીના બે પૂર્વ કર્મચારી સહિત દિલ્હી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ પૈકી એક આરોપી મેક્સ લાઇફ ઇન્સ્યુરન્સમાં સિનિયર એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતા ૨૮ વર્ષીય રોહિતકુમાર અગ્રવાલે ગેરકાયદે કંપનીના ડેટાની તપાસ કરી હતી.
અગ્રવાલે એવી લાવારિસ પોલિસીઓ શોધી કાઢી હતી જે લાંબા સમયથી નિષ્ક્રિય પડી હતી અને તેની મેચ્યુરિટી રકમ કોઇ લેવા આવ્યું ન હતું. તેણે આવી પોલિસીઓની માહિતી આ જ કંપનીમાં કામ કરતા ૪૧ વર્ષીય સુજિતકુમાર મિશ્રાને આપી હતી.
સુજિતકુમાર મિશ્રાએ આ માહિતી ૪૧ વર્ષીય ચંદન જૈનને આપી હતી. તેણે આ માહિતી ૩૭ વર્ષીય પ્રેમ પ્રકાશને આપી હતી. તેણે તેણે અનકલેમ્ડ પોલીસી હોલ્ડરના નામે નવા બેંક ખાતા ખોલાવ્યા હતાં. પાંચમા આરોપી ૩૦ વર્ષીય વિકાસે નવા બેંક ખાતામાં આધારની વિગતો અપડેટ કરી આપી હતી. તે આધાર સેન્ટરમાં કામ કરતો હતો.
મેક્સ લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીની ફરિયાદને પગલે ૨૮ માર્ચે સ્પેશિયલ સેલમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ૨૨ પોલિસી હોલ્ડરની ૩૭ પોલિસીઓના લગભગ ૨.૩૮ કરોડ ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવ્યા હતાં.