Today Gujarati News (Desk)
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, તેમને જલ્દી મારી નાખવામાં આવશે. તેમણે રવિવારે આરોપ લગાવ્યા હતા કે, તેને રાજસ્થાનથી ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો કે, તેને જલ્દીથી મારી નાખવામાં આવશે, તેથી લોરેન્સ બિશ્નોઈનું નામ ન લો. આ પહેલા પણ બલકૌર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તેને ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, તેને 25 એપ્રિલ પહેલા મારી નાખવામાં આવશે.
બલકૌર સિંહે કહ્યું કે હું શું કંઈ ખોટું કરી રહ્યો છું? શું મારે મારા પુત્રનો કેસ ન લડવો જોઈએ? મને 18, 24 અને 27 ફેબ્રુઆરીએ ધમકી આપવામાં આવી હતી કે, મને 25 એપ્રિલ પહેલા મારી નાખવામાં આવશે. હું સરકારને કહેવા માંગુ છું કે, મારી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવે. હું લડતો રહીશ. પોલીસના જણાવ્યા અનુસાર, મુસેવાલાના પિતાને ધમકી આપવા બદલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
7 માર્ચે, મુસેવાલાના પિતાએ પંજાબ વિધાનસભાની બહાર ધરણા કર્યા અને તેમના પુત્રની હત્યાની CBIના તપાસની માંગણી કરી હતી. પંજાબ વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાત કરતા સિંહે કહ્યું કે, તેમની તરફેણમાં કોઈ તપાસ થઈ રહી નથી. તેણે કહ્યું કે, છેલ્લા 10 મહિનાથી હું ઘણી વખત પોલીસ અને પ્રશાસન પાસે ગયો છું. મને ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અહીં જે થઈ રહ્યું છે તે મારા બાળકની હત્યાને ઢાંકવા માટે કરવામાં આવી રહ્યું છે. મારા પક્ષમાં કંઈ જ નથી જઈ રહ્યું. તેમણે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.