Today Gujarati News (Desk)
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ દેશ વિદેશમાં ભૂકંપ વિશે આશંકા વ્યક્ત કરી છે. ભારતમાં પણ વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ ભારતમાં 20 વિસ્તારોમાં અનુમાન લગાવ્યું છે. અને તે પણ 8 તીવ્રતાથી વધારે રિકટર સ્કેલનો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જો 5 ની તીવ્રતા અથવા તેનાથી વધારેનો હોય તો મકાનો – બિલ્ડિંગો હલી જાય છે. તેથી જો 8 ની તીવ્રતાનો ભૂકંપ આવે તો આપણને કેટલું નુકસાન થાય તેની કલ્પના કરવી પણ અઘરી છે. તાજેતરમાં તુર્કીમાં આવેલ ભૂકંપની તીવ્રતા 7.9 ની હતી. જેનાથી કેટલી તબાહી મચી છે તે આપણી સામે છે.
તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો ઘાયલ થયા અને બેઘર બન્યા છે. પૈસાદાર લોકો બેઘર થઈ ગયા છે. લોકોને ટેન્ટમાં રહેવા મજબૂર બનવુ પડ્યુ છે. જો કે તુર્કી અને સીરિયામાં હજુ પણ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડના રામનગર, હિમાચલ પ્રદેશના કાંગડા અને આસામ વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા છે. જેનાથી આ વિસ્તારોમાં ધરતીની નીચે ચાલી રહેલા તણાવ ઉપરાંત ઉર્જાને બહાર ન નીકળી શકવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. ડૉક્ટર પેરુમલના કહ્યા પ્રમાણે રામનગર વિસ્તારમાં વર્ષ 1255માં 8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પછી અહી આવો મોટો કોઈ ભૂકંપ નોંધવામાં આવ્યો નથી.
નેપાળમાં 1255 માં ખૂબજ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો
આવી જ રીતે ભૌગોલિક સંરચના મુજબ નેપાળમાં 1255 માં ખૂબજ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 8.0 થી 9.0 ની હતી. તેના પછી 1931, 1934 અને 2015 ભારે ભૂકંપ આવ્યો હતો. એક જ માઈક્રો સેસ્મેસિટી બેલ્ટમા આવતા હિમાચલના કાંગડામાં પણ 1905માં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 7.8 ની હતી. એ પછી કોઈ ભૂકંપ આવ્યો નથી.
અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી
વિશ્વના ઘણા દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હમણાં મણિપુરની સાથે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મધરાતે લગભગ 2:46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિલોમીટર હતી. બીજી તરફ અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી, જ્યારે તાજિકિસ્તાનમાં 4.3ની તીવ્રતા આંકવામાં આવી હતી.
અગાઉ આંધ્રપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ માહિતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી હતી. જોકે, હજુ સુધી કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી મળ્યા. આ અગાઉ 19 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લાના નંદીગામા શહેરમાં ભૂકંપ આવ્યો હતો. જો કે રાહતની વાત એ હતી કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. રવિવારે સવારે લગભગ 7.13 વાગ્યે આંચકા આવ્યા અને 3.4 સેકન્ડ સુધી રહ્યા હતા. સ્થાનિક લોકો ગભરાઈને ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા.