Today Gujarati News (Desk)
ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ આરોપો વર્લ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટે લગાવ્યા છે. આ બાબતે ગઈકાલે ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ધરણા કર્યા હતા. આ ધરણા પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે. આ કુસ્તીબાજોએ પીએમ મોદીને મળવાની પણ માંગ કરી છે.
ઓલિમ્પિક વિજેતાએ વિરોધ કર્યો
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બજરંગ પુનિયા, રિયો ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા સુમિત મલિક કુસ્તીબાજો વિરોધમાં સામેલ છે આ કુસ્તીબાજોએ બેઠક કરી હતી. હાલ 30 કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે.
રેસલિંગ ફેડરેશને 72 કલાકમાં જવાબ આપવા નિર્દેશ
રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કામકાજમાં ગેરવહીવટ અંગે ખુલાસો માંગ્યો છે અને તેના પર લાગેલા આરોપો પર આગામી 72 કલાકમાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે. WFIને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે આ મામલો રમતવીરોના કલ્યાણ સાથે સંબંધિત હોવાથી રમત મંત્રાલયે આ બાબતની નોંધ ખૂબ જ ગંભીરતાથી લીધી છે.