Today Gujarati News (Desk)
કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની 58,000 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે.
મોટાભાગે વેકેન્સી
તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષકોની 12,099 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 1,312 જગ્યાઓ ખાલી છે. જ્યારે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની 3,271 જગ્યાઓ અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની 1,756 જગ્યાઓ ખાલી છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાભાગની ખાલી જગ્યાઓ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં છે, જ્યાં શિક્ષકોની 6,180 જગ્યાઓ અને નોન-ટીચિંગ સ્ટાફની 15,798 જગ્યાઓ ભરવાની બાકી છે.
IITમાં પણ પદો ખાલી
રાજ્યમંત્રીએ જણાવ્યું કે IIT પાસે 4,425 ટીચિંગ પોસ્ટ્સ અને 5,052 નોન-ટીચિંગ સ્ટાફ પોસ્ટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 2,089 ટીચિંગ પોસ્ટ્સ અને 3,773 નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)માં 1,050 ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ ખાલી છે.