Today Gujarati News (Desk)
પરશૂરામને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. એવા ભગવાન પરશુરામની જન્મજયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ લોકો ધામધુમથી ઉજવતા હોય છે. આ દિવસને અક્ષય તૃતીયાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ એટલે કે 22 એપ્રિલ 2023 શનિવારના રોજ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ કામ કરવા માટે મુહુર્ત કાઢવામાં આવતું નથી એટલે કે આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરેલુ કોઈ પણ કામ સફળ થાય છે તેવી માન્યતા છે.
આજે પરશૂરામ જંયતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા ક્યાંક રેલી કાઢવામાં આવી હતી, તો ક્યાંક પાલખીયાત્રા તેમજ કેટલાક જગ્યા પર સામુહિક આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે અમદાવાદના બાવળા શહેરમાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભગવાન પરશુરામ ઉત્સવમાં સામુહિક આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા શંખનાદના નાદ સાથે કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ સાથે અહીં ડમરૂ, નગારા, મંજીરા, ઢોલ અને શંખનાદથી પરશુરામ ભગવાનની સાધના કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતી ભગવાન પરશૂરામ જંયતિ નિમિત્તે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થાય છે. જેમા સિધ્ધેશ્વર ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ મહેતા સહિત અનેક આગેવાનો તેમજ યુવાનો હર્ષભેર આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
આરતીની વિશેષતા એ છે કે મહાકાલેશ્વરની થીમ પર કરવામાં આવે છે આરતી
ભગવાન પરશૂરામ જંયતિ નિમિત્તે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ સાંજે પરશુરામ ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવી હતી. જેમાં બાવળા તેમજ અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. પરશુરામ જયંતિ નિમિત્તે કરવામાં આવતી આ આરતીની વિશેષતા એ છે કે મહાકાલેશ્વરની થીમ પર આરતી કરવામાં આવી હતી. જેમા અહીં હજારો ભક્તો વ્યક્તિગત રીતે દીવડાઓ પ્રગટાવીને પરશુરામ ભગવાનની આરતીમાં જોડાયા હતા.