Today Gujarati News (Desk)
દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1,997 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કુદરતી આફતોના કારણે દેશમાં 1,997 લોકોના મોત થયા છે જ્યારે 30,615 પશુઓના પણ મોત થઈ ગયા છે. આ આપત્તિઓના કારણે 18,54,901 હેક્ટર પાક તબાહ થઈ ગયો છે.તમને જણાવી દઈએ કે, ભારત જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે જેના કારણે કુદરતી આફતોમાં વધારો થશે. એશિયા પેસિફિક ડિઝાસ્ટર રિપોર્ટ 2021માં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની 60 ટકા ગરીબ વસ્તી રોગ, કુદરતી આફતોના જોખમમાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, વર્ષ 2040 સુધીમાં સંવેદનશીલ વર્ગોની લગભગ 71% વસ્તી જળવાયુ પરિવર્તનને કારણે આફતોનો શિકાર બનશે.
કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1,547 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષ 2017-18 થી જાન્યુઆરી 2022 સુધીમાં રાજ્યમાં 1547.87 કરોડનું રોકાણ આવ્યું છે.