Today Gujarati News (Desk)
દેશમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,038 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના 21,000 થી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 7 લોકોના મોત થયા છે. કોરોનાના કારણે પંજાબમાં 2 મોત, ઉત્તરાખંડમાં 1, મહારાષ્ટ્રમાં 1, જમ્મુમાં 1 અને દિલ્હીમાં 2 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે અપડેટ કરેલા આંકડા પ્રમાણે કોરોના કેસની કુલ સંખ્યા 4.47 કરોડ પર પહોંચી ગઈ છે.
હાલમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.05 ટકા છે. મંત્રાલયના ડેટા પ્રમાણે કોવિડ-19માંથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો છે. જ્યારે કોવિડ દર્દીઓનો મૃત્યુ દર 1.19 નોંધાયો હતો. આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દેશવ્યાપી વેક્સિનેસન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોવિડના કેસોમાં ખૂબ જ તીવ્ર વધારો જોવા મળ્યો છે. એટલા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
માંડવિયાએ કહ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલમાં દેશમાં ફેલાય રહેલા ઓમિક્રોનના સબ વેરિએન્ટના સંક્રમણની સંખ્યા વધી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નથી નોંધાયો. માંડવિયાએ કહ્યું કે, કોરોના વાયરસ સતત મ્યૂટેટ થતો રહે છે અને ભારતમાં અત્યાર સુધીમાં તેના 214 વેરિએન્ટ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે, આઈસીયુ બેડ, ઓક્સિજન સપ્લાય અને અન્ય મહત્વપૂર્ણ પગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. માંડવિયાએ કહ્યું કે, દર અઠવાડિયે જરૂરી તબીબી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવે છે. ભવિષ્યમાં કોરોના કેવી પરિસ્થિતિ ઉભી કરશે તેની આગાહી કરવી અશક્ય છે. પરંતુ હાલમાં કોવિડ-19 કેસમાં તેજીનું કારણ બનેલા સબ વેરિએન્ટ એટલા ખતરનાક નથી કે જેનાથી કોઈ તબાહીની આશંકા હોય.