Today Gujarati News (Desk)
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ધર્મસ્થળ વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં ધર્મસ્થળો, કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામો, વંડાઓ, વગેરે પ્રકારનું સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, 60 કોમર્શિયલ, 150 રહેણાંક અને 7 અન્ય બાંધકામ મળીને કુલ 9.5 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરવામાં આવશે.