Today Gujarati News (Desk)
નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP)માં લાવવામાં આવેલા ચિત્તાઓનું નામકરણ કરી દેવાયું છે. ચિત્તાઓને લોકપ્રિય બનાવવા અને સામાન્ય લોકોમાં આ જીવ પ્રત્યે સંવેદનશીલતાની ભાવના પેદા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાત દરમિયાન લોકોને તેમના માટે નામ સૂચવવા કહ્યું હતું. નામીબીયાથી લાવવામાં આવેલી માદા ચિતા અશાનું નામ આશા, સવાનાનું નાભા, તિબિલિસીનું ધત્રી અને ચાર બચ્ચાને જન્મ આપનાર સિયાયાનું નામ જ્વાલા રાખવામાં આવ્યું છે.
ઓબાનનું નામ પણ બદલ્યું
જ્યારે નર ઓબાનનું નામ પવન, એલ્ટનનું નામ ગૌરવ અને ફ્રેડીનું નામ બહાદુર રખાયું છે. તેવી જ રીતે આફ્રિકાના ફિંડા ગેમ રિઝર્વમાંથી લાવવામાં આવેલી પુખ્ત માદાનું નામ દક્ષા રાખવામાં આવ્યું છે. જ્યારે પુખ્ત નરમાંથી એકનું નામ વાયુ અને બીજાનું અગ્નિ રખાયું છે. માપેસુ રિઝર્વમાંથી લાવવામાં આવેલી માદાનું નામ નીર્વા રાખવામાં આવ્યું છે. કાલહારીના સ્વેલો રિઝર્વમાંથી લાવવામાં આવેલી પુખ્ત માદાને ગામિની, અલ્પ વયસ્કને વીરા, પુખ્ત નરને તેજસ તથા અલ્પ વયસ્ક નરને સૂરજ નામ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપી માહિતી
કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે નામ સૂચવવા માટેની સ્પર્ધામાં 11,565 લોકોએ ભાગ લીધો હતો. પસંદગી સમિતિએ સૂચિત નામોમાંથી મહત્વ અને સુસંગતતાના આધારે નામીબીયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે નામોની પસંદગી કરી હતી. વોટરબર્ગ રિઝર્વમાંથી લાવવામાં આવેલી પુખ્ત માદાનું નામ ધીરા, એક પુખ્ત નરનું ઉદય, બીજાનું પ્રભાસ અને ત્રીજાનું પાવક રાખવામાં આવ્યું છે.