Today Gujarati News (Desk)
આજે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ મહત્ત્વપૂર્ણ બની ગયું છે ત્યારે શિક્ષાના મંદિરમાં જ ગેરરીતિઓ થતી હોય તો ક્યાં જવું? આવો જ એક મામલો પકડાતાં સીબીએસઈ બોર્ડે એક સ્કૂલ સામે કડક કાર્યવાહી કરી હતી. દહેરાદૂનમાં માંડુવાલા ખાતે આવેલી એક લ્યુસેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનેક ગેરરીતિઓ પકડાતા સીબીએસઈ બોર્ડે તેની માન્યતા જ રદ કરી દીધી.
સીબીએસઈએ સ્કૂલને આદેશ આપ્યો હતો કે તમારી સ્કૂલમાં ભણતાં ધોરણ 11ના બાળકોને પણ 2024માં બોર્ડની પરીક્ષા પહેલા કોઈ અન્ય સીબીએસઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે દહેરાદૂનમાં સંચાલિત લ્યુસેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 86 વિદ્યાર્થીઓને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા વંચિત કરાયા હતા. આ બધું સ્કૂલ દ્વારા આચરવામાં આવી રહેલી ગેરરીતિઓને કારણે થયું હતું.
સ્કૂલે ફી ઉઘરાવી પણ સીબીએસઇમાં જમા ન કરાવી
તપાસમાં બહાર આવ્યું કે આ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસેથી 54 હજાર રૂપિયા ફી તો ઉઘરાવી હતી પરંતુ સ્કૂલે ન તો સીબીએસઈ બોર્ડમાં રજિસ્ટ્રેશન ચાર્જ જમા કરાવ્યો ન તો તેમના એડમિશન માટે સીબીએસઇ પાસેથી જરુરી મંજૂરી મેળવી હતી. આ મામલે સીબીએસઇના ક્ષેત્રીય રિજિયને જણાવ્યું હતું કે સ્કૂલે જે 270 વિદ્યાર્થીઓને રજિસ્ટર્ડ બતાવ્યા હતા તેમાંથી 86 વિદ્યાર્થીના ડેટાને બદલી નખાયો હતો. આ વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ સંસ્થાન સાથે જોડાયેલા હતા જે સ્કૂલમાં ભણતા હોતા અને અહીંના બોનફાઈડ પણ નહોતા.