Today Gujarati News (Desk)
છતિસગઢમાં દંતેવાડામાં નકસલીઓ ઘાતક હુમલો કરીને ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ફોર્સના જવાનો પર હુમલો કરતા 10 જવાનો અને 1 ડ્રાઇવર શહિદ થયા હતા.નકસલીઓએ રસ્તામાં વચ્ચો વચ સુરંગ બિછાવી હતી. આ આઇઆઇડી વિસ્ફોટ એટલો શકિતશાળી હતો કે રોડ પર ઉંડો ખાડો પડી ગયો હતો. વાહનમાં બેઠેલા જવાનો અને વાહનના ફૂરચા ઉડી ગયા હતા. વિસ્ફોટની તિવ્રતાથી ક્ષત વિક્ષત થયેલા બોડીને ઓળખવા મુશ્કેલ બન્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અરનપુરના પાલનાર ક્ષેત્રમાં નકસલીઓએ જવાનો પર આયોજનબધ્ધ રીતે હુમલો કર્યો હતો.
ડીઆરજીના જવાનો ડયૂટીના ભાગરુપે ઓપરેશન પર ગયા હતા.તેઓ પાછા ફરી રહયા હતા ત્યારે નકસલીઓએ મોકો જોઇને જાળ બિછાવી હતી. શહિદ જવાનોના નામ જોગા સોઢી, મુન્નારામ કડતી. સંતોષ તામો, દુલ્ગો મંડાલી, લખમુ મરકામ, જોગા કવાસી, હરિરામ મંડાવી, રાજૂરામ કરટમ, જયરામ પોડિયામ અને જગદીશ કવાસી શહીદ થયા હતા. વાહનચાલકનું નામ ધનીરામ યાદવનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. છતિસગઢમાં દંતેવાડા નકસલીઓનો પરંપરાગત ગઢ રહયો છે.
નકસલીઓને પાઠ ભણાવવાથી માંડીને શરણાગતી સ્વીકારાવામાં ડીઆરજીની મહત્વની ભૂમિકા રહી છે. કેટલાક પૂર્વ નકસલી નેતાઓ હવે છતિસગઢમાં નકસલીઓ વિરુધ ડીઆરજીમાં કામ કરે છે.નકસલવાદની કમર તોડવા 2008માં ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ની રચના કરવામાં આવી હતી. આ ફોર્સને પ્રથમ કાંકેર અને નારાયણપુરમાં તૈનાત કરવામાં આવી હતી. ત્યાર પછી 2013માં બીજાપુર,બસ્તર અને 2014માં સુકમા અને કોંડગાંવ તેમજ 2015માં દંતેવાડામાં પણ ડીઆરજી ગોઠવવામાં આવ્યા હતા. છતિસગઢ વર્ષોથી નકસલવાદ પ્રભાવિત રહયો છે. 2021ના સરકારી આંકડા અનુસાર છતીસગઢમાં 8 જિલ્લા નકસલ પ્રભાવિત છે. જેમાં બીજાપુર,સુકમા,બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદ ગાંવ અને કોંડાગાંલનો સમાવેશ થાય છે.