Today Gujarati News (Desk)
શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિના મોતની ખબર સાંભળી પત્નીએ પ્રાણ છોડ્યા છે. પતિના મોત બાદ અડધા કલાકમાં પત્નીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવાર શોકમગ્ન બન્યું છે. પતિની વિદાયના આઘાતમાં પત્નીએ પણ પ્રાણ છોડ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
બે બાળકો પરથી માતા-પિતાની છત્ર છીનવાઈ
આ બનાવ નવસારીના ખેરગામ તોરવણવેરા ગામમાં બન્યો છે. 38 વર્ષીય અરૂણ ગાવિત નામના યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. આ સમાચાર સાંભળતા જ મૃતક અરૂણના પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થયા હતા. જ્યાં સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડતા હાર્ટએટેકથી તેમનું પણ મોત થયું હતું. પતિના મોતના અડધા કલાકમાં પત્નીએ પણ પ્રાણ છોડી દીધા હતા. આ યુગલને બે બાળકો છે. પતિ, પત્નીના મોતથી બે બાળકો પરથી માતા-પિતાની છત્ર પણ છીનવાઈ ગઈ છે. મૃતક ભાવના ગાવિત ખેરગામના પૂર્વ સરપંચ પણ હતા.