Today Gujarati News (Desk)
પંજાબમાં ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા લોકોની પ્રવૃત્તિઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તમામ ગુપ્ત અહેવાલો એ વાતના સંકેત આપે છે કે ખાલિસ્તાની આંદોલન સાથે સંકળાયેલા લોકો અલગ અલગ દેશોમાં બેસેલા ખાલિસ્તાની સમર્થકોના સંપર્કમાં છે. કેન્દ્રીય એજન્સીઓની નજર પંજાબના જુદા જુદા વિસ્તારોમાં સક્રિય ખાલિસ્તાની સમર્થકો પર છે. તેમની એક યાદી પણ તૈયાર કરાઈ છે.
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ પર યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકાયો હતો
આ યાદીના આધારે જ છેલ્લા કેટલાક દિવસોમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ પર યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકાયો હતો અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા હરવિંદર સિંહ સંધુને આતંકી જાહેર કરાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે પંજાબમાં ખાલિસ્તાન સમર્થકોની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. પંજાબની સ્થિતિ અંગે ચર્ચા ડીજી સંમેલનમાં પણ થઇ હતી.
ડીજી બેઠકમાં પણ આ મુદ્દો ઊઠ્યો હતો
એક અધિકારીએ કહ્યું કે ડીજી બેઠક દરમિયાન સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની નાપાક હરકત અને આઈએસઆઈની ખાલિસ્તાનને સક્રિય કરવા માટે સતત કોશિશ અંગે સાવચેત કરાયા હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલ અનુસાર પાકિસ્તાનની આઈએસઆઈ પંજાબ સહિત દેશમાં અશાંતિ ફેલાવવા માટે કેનેડામાં બેસેલા ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરની મદદ લઈ રહી છે.
પાકિસ્તાને દુનિયાભરના દૂતાવાસો અને હાઈકમિશનને આ કામમાં સામેલ કર્યા
ગુપ્તચર સૂત્રોના અહેવાલ અનુસાર પાકિસ્તાને દુનિયાભરમાં હાજર તેના દૂતાવાસો અને હાઈકમિશનના માધ્યમથી ખાલિસ્તાની સમર્થકો અને આતંકીઓને મદદ કરવાની સાથે સાથે તેમને ફન્ડિંગ અને હથિયારો પણ ઉપલબ્ધ કરાવવા કહી રાખ્યું છે. ખાલિસ્તાની સંગઠનોએ સેંકડોની સંખ્યામાં ફેક ટ્વિટર હેન્ડલ બનાવી રાખ્યા છે. ખાલિસ્તાન સંબંધિત હેશટેગને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાવવા માટે ફેક ટ્વિટર એકાઉન્ટની મદદ પણ લેવાઈ રહી છે.