Today Gujarati News (Desk)
ભારતના અનેક રાજ્યો એવા છે જે કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ અનેકવાર આ માગ કરી ચૂક્યા છે. દરમિયાન ભુવનેશ્વરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે કેન્દ્ર સરકાર કોઈપણ રાજ્ય માટે વિશેષ દરજ્જાની માગ પર વિચાર જ નહીં કરે.
નિર્મલા સીતારમણે શું કહ્યું ?
નિર્મલા સીતારમણની આ જાહેરાત ઓડિશા અને બિહાર જેવા રાજ્યો માટે એક મોટો આંચકો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી આવી માગણીઓ કરી રહ્યા છે. ઓડિશા દ્વારા પણ વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરવામાં આવી રહી છે અને તેને લઇને દબાણ કરવામાં આવી રહ્યું છે એ અંગેના સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે કોઈ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની સ્થિતિ છે જ નહીં. આંધ્રપ્રદેશ અને તેલંગાણા તેના તાજેતરના ઉદાહરણો છે. તેમણે કહ્યું કે આ બંને રાજ્યોના વિભાજન બાદ શરૂઆતના વર્ષોમાં તેમને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
સંસદમાં પણ આ મુદ્દો ઊઠાવાયો હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર ધન્યાવાદ પ્રસ્તાવ દરમિયાન સંસદીય ડિબેટમાં બીજેડી સાંસદે રાજ્યસભામાં આ મુદ્દાને ફરી ઊઠાવ્યો હતો. સાંસદે કહ્યું હતું કે જ્યારે પણ ઓડિશા સાથે કોઈ વાવાઝોડું ટકરાય છે ત્યારે મોટાપાયે તારાજી સર્જાય છે. પાક નષ્ટ થઇ જાય છે. એટલા માટે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ માટે ઓડિશાને વિશેષ ફોકસ રાજ્ય બનાવવા અંગે વિચારવું જોઈએ.