Today Gujarati News (Desk)
પશ્ચિમ બંગાળના કેનિંગમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મહિલા કાર્યકરનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલાની ઓળખ 48 વર્ષીય સુચિત્રા મંડલ તરીકે થઈ છે. આ ઘટના શનિવારે સાંજે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગના ગોપાલપુર ગામમાં બની હતી. TMC મહિલા કાર્યકરની કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતાં જ કેનિંગ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી તેને કેનિંગ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, શનિવારે સાંજે જ્યારે તે ખેતરમાં ગઈ હતી ત્યારે તે ત્યાંથી પાછી ન ફરી. ત્યાં જોયુ તેની લાશ લોહીથી લથપથ મળી આવી હતી. સુચિત્રા મંડલના ગળા પર ઉંડા ઘાના નિશાન હતા.
પોલીસે આ હત્યાકાંડની તપાસ હાથ ધરી
તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ ઘાતકી હત્યા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સુચિત્રા લાંબા સમયથી આ વિસ્તારમાં TMC પાર્ટીના સક્રિય સભ્ય હતા. એટલા માટે પોલીસ તપાસ કરી રહી છે કે, હત્યાનો રાજકારણ સાથે કોઈ સંબંધ છે કે કેમ.
અગાઉ પણ TMC નેતાની કરાઈ હતી હત્યા
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. નેતાનું નામ ગોપાલ મજુમદાર હતું જેઓ કાઉન્સેલર શિપ્રા મજુમદારના પતિ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી ગોળીબારના અવાજ પણ સંભળાતા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયુ હતું.