Today Gujarati News (Desk)
દુનિયાભરમાં મદદ માટે ઝોળી ફેલાવી રહેલા પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ વધારેને વધારે ઘેરુ બની રહ્યુ છે.
પાકિસ્તાનમાં એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં ઘઉંની તંગી ઉભી થઈ રહી છે અને તેના કારણે પાકિસ્તાન અંધાધૂધીમાં ધકેલાઈ જાય તેવુ જોખમ છે. પાકિસ્તાનમાં પહેલા લોટનુ તો સંકટ સર્જાયેલુ જ છે અને મોંઘવારીના કારણે લોટના ભાવ આસમાને જતા તેમાંથી બનતી વાનગીઓની કિંમતો પણ આસમાનને સ્પર્શી રહી છે.
રોજે રોજ લાખો લોકો સરકારી દુકાનો બહાર રાશન માટે ઉભા રહે છે અને વસ્તુઓ નહીં હોવાથી ખાલી હાથે પાછા જાય છે. આ દુકાનો પર સબસિડી વાળા સસ્તા ઘઉં મળવા મુશ્કેલ બની રહ્યા છે. કારણકે ધનિક લોકો પહેલેથી જ મોટા પાયે ઘઉંની ખરીદી કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં ખાદ્ય સંકટના કારણે મોંઘવારી પણ વધી રહી છે.પાકિસ્તાનમાં 19 એપ્રિલે મોંઘવારી 47 ટકાએ પહોંચી હોવાના આંકડા જાહેર કરાયા હતા. પાકિસ્તાનના એક અખબારના અહેવાલ અનુસાર હજારો લોકો લોટ માટે લાઈનમાં ઉભા રહે છે અને તેમાંથી બહુ ઓછાને લોટ મળી શકે છે.
આ પહેલા લોટ વિતરણ માટેની લાઈનોમાં ધક્કા મુક્કી અને ભાગદોડમાં ડઝનબંધ લોકો મોતને પણ ભેટી ચુકયા છે. તાજેતરમાં ઈદ દરમિયાન પણ લોકોની ખરીદી ઓછી રહી હતી.
પાકિસ્તાનમાં લોટ લઈ જતી ટ્રકો પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. આ પ્રકારના વિડિયો પણ સામે આવી રહ્યા છે. જે સંકેત આપી રહ્યા છે કે, પાકિસ્તાનમાં અરાજકતા વધી રહી છે.