Today Gujarati News (Desk)
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા નિમાયેલી રાષ્ટ્રીય કડકાઈ સમિતિએ હવે દેશના લોકોને જ ડામ આપવાનું શરૂ કર્યું છે. સરકારની આ સમિતિએ સરકારી કર્મચારીઓના પગારમાં જ ૧૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
મંત્રી અને સલાહકારોની સંખ્યા પણ ૩૦ કરી દેવાશે
તેની સાથે જ મંત્રાલય અને ડિવિઝનનો ખર્ચ પણ 15% ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. ફેડરલ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને સલાહકારોની સંખ્યા પણ ૭૮થી ઘટાડીને ૩૦ સુધી લાવી દેવામાં આવશે. આ ભલામણો અંગે અહેવાલ તૈયાર કરીને સમિતિ તેને વડાપ્રધાન શાહબાઝ શરીફને મોકલી શકે છે. જે અંગે વડાપ્રધાન જ નિર્ણય લેશે.
આઈએમએફથી વધુ એક હપ્તો ઈચ્છે છે પાકિસ્તાન
માહિતી અનુસાર જે મંત્રીઓને નહીં હટાવાય તેઓ પણ રાષ્ટ્રીય ભંડારનો ઉપયોગ નહીં કરી શકે. તેમણે પણ તેમની સેવાઓ નિઃસ્વાર્થ ભાવે આપવાની રહેશે. સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આર્થિક તંગી એવી વધી ગઈ છે કે તે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ પાસેથી વધુ એક હપ્તો મેળવવા ઈચ્છે છે અને તેને ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય કડકાઈ સમિતિ દ્વારા આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.