Today Gujarati News (Desk)
પાકિસ્તાનના કરાચીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રવિવારે વહેલી સવારે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક તેજ રફ્તાર પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખાઈમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું છે.
બસ સ્પીડમાં હતી અને ડ્રાઈવરના કાબુ બહાર જતા આ અકસ્માત સર્જાયો હતો. ખાઈમાં પડ્યા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. 18 સ્થાનિક લોકોના મોતની પુષ્ટિ કરતા બેલા આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે, બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી કરાચી જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ પછી તેમાં આગ લાગી ગઈ હતી.
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બસમાં ઓછામાં ઓછા 48 મુસાફરો સવાર હતા. બચાવ કામગીરી ચાલુ છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બચાવ કાર્ય ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે લાસબેલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશમન દળ, બચાવકર્તા અને સુરક્ષા કર્મચારીઓ અકસ્માત સ્થળે હાજર છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.