Today Gujarati News (Desk)
આતંકવાદીઓના ઠેકાણા ગણાતા પાકિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. પાકિસ્તાનમાં ક્વેટાના કંધારી માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈદની ખરીદી કરવા માટે બજારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિસ્ફોટના સ્થળે પોલીસ પ્રશાસન હાજર છે. ઘાયલોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કંધારી માર્કેટમાં પોલીસના વાહનને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી શફકત ચીમાએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે, હુમલામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.
લાંબા સમયથી પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે આતંકવાદી
પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સતત પોલીસને નિશાન બનાવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં TTP આતંકવાદીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા અને ક્વેટામાં પોલીસ લાઈન નજીક વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ આ પહેલા ટીટીપીના એક આતંકવાદીએ પેશાવરની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.
શનિવારે પણ થયો હતો બ્લાસ્ટ
આ અગાઉ શનિવારે પણ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા બે સૈનિકો માર્યા ગયા હતા. તે ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) બ્લાસ્ટ હતો.