Today Gujarati News (Desk)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોટાભાગના પેટ્રોલ પંપોમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે, જેના કારણે રોજ-બરોજ આવન-જાવન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડૉનના અહેવાલો મુજબ દૂરના વિસ્તારોમાં ભયંકર પરિસ્થિ છે. અહીં એક મહિનાથી પેટ્રોલનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સરકાર દ્વારા પર્યાપ્ત પુરવઠાની ખાતરી અપાઈ છે તેમજ સંગ્રહખોરો સામે કડક પગલાં લેવાની ધમકીઓ પણ અપાઈ છે, તેમ છતાં પંજાબમાં પેટ્રોલની અછત યથાવત્ છે.
PPDAએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જવાબદાર ઠેરવી
બીજી તરફ પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (PPDA)એ પુરવઠો પુરો પડાવામાં નિષ્ફળ રહેવા બદલ, પંપોને ખાલી છોડવા બદલ, ડ્રાઇવરોને શહેરી વિસ્તારોમાં ગેસ માટે જવાની ફરજ પાડવા તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જવાબદાર ઠેરવી છે.
પંજાબમાં ઘણા પેટ્રોલ પંપ બંધ
ડૉનના અહેવાલો મજુબ અયોગ્ય અર્થવ્યવસ્થા તેમજ ઈંધણની અછત વચ્ચે પંજાબના મુખ્ય અને નાના શહેરોમાં ઘણા પેટ્રોલ પંટો બંધ કરી દેવાયા છે. લાહોર, ગુજરાંવાલા અને ફેસલાબાદ જેવા મોટા શહેરોમાં સ્થિતિ સૌથી વધુ બદત્તર છે. આ પેટ્રોલ પંપો ઓઈલ માર્કેટિંગ કંપનીના દબાણના કારણે નજીવા પુરવઠાના કારણે ચાલી રહ્યા હોવાનું કહેવાય છે.
લાહોરમાં 450માંથી 70 પંપો કોરાધાકોર
પાકિસ્તાન પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના માહિતી સચિવ ખ્વાજા આતિફે ડૉનને જણાવ્યું કે, લાહોરમાં કુલ 450 પેટ્રોલ પંપોમાંથી 70 કોરાધાકોર છે. પેટ્રોલની અછતના કારણે શાહદરા, વાઘા, લિટન રોડ અને જૈન મંદારમાં પેટ્રોલ પંપો બંધ છે.
ગંભીર આર્થિક સંકટમાં ઓઈલ કંપનીઓ
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના ઘણા શેહરોમાં પેટ્રોલના પુરવઠો ખોરવાયો છે. મોટાભાગના ગેસ સ્ટેશન બંધ હાલતમાં છે, કેટલાક પેટ્રોલ પંપો પર આંશિક માત્રામાં પેટ્રોલ પુરુ પડાઈ રહ્યું છે. આ પેટ્રોલ પંપો પર કારો અને બાઈકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પાકિસ્તાનની ઓઈલ કંપનીઓ ગંભીર આર્થિક સંકટ અને ચલણના અવમૂલ્યનને કારણે પડી ભાંગવાની સ્થિતિએ પહોંચી ગઈ છે. દરમિયાન પાકિસ્તાનમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 249.8 અને ડિઝલનો પ્રતિ લીટર ભાવ 262.8 પર પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.