Today Gujarati News (Desk)
‘પીને કા પાની નહી દીયા તો પાવડે સે કાટ દીયા’ આ શબ્દો છે એ સાયકો કીલરના જે હાલ વસ્ત્રાપુર પોલીસના સંકજામાં આવી ગયો છે. મંગળવારની સમી સાંજે યુવકની પાવડાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા થઇ હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે ગણતરીની કલાકોમાં નેપાળી યુવકની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે ત્રણ વાગ્યા સુધી નેપાળી યુવકની મેરેથોન પુછપરછમાં તે સાયકો હોવાનું સામે આવ્યુ છે. કોઇપણ કારણ વગર યુવકની હત્યા કરી નાખી હતી અને બાદમાં બિન્દાસ પિઝાની દુકાનમાં નોકરી કરવા માટે આવી ગયો હતો.
શહેરના વસ્ત્રાપુર લેકમાં મંગળવારની સાંજે લાલાભાઇ સંગાડા નામના યુવકની ઘાતકી હત્યા થઇ હતી જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી લીધી છે. ઘટનાના સીસીટીવી ફુટેજના આધારે પોલીસને હત્યાનો ભેદ ઉકેલી શકી છે. મોડીરાતે પોલીસે પીઝાની હોટલમાં નોકરી કરતા એક નેપાળી યુવકની ધરપકડ કરી લેવમાં આવી છે. જેને હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી છે. નેપાળી યુવક ઘણા સમયથી પિઝાની હોટલમાં નોકરી કરતો હતો અને સાઇકો હોય તેવુ પોલીસને લાગી રહ્યુ છે.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળી યુવક વસ્ત્રાપુર લેકમાં આંટો મારવા માટે ગયો હતો. જ્યાં ખાટલા પર લાલા સંગાડા સુતો જોયો હતો. યુવકે લાલા સંગાડા પાસે પીવાનું પાણી માંગ્યુ હતું. જોકે તેણે નહી આપતા યુવક ઉશ્કેરાયો હતો અને સાઇડમાં રહેલો પાવડો લઇને ફરી વળ્યો હતો. યુવક એટલી હદે ગુસ્સામાં હતો કે તેણે લાલા સંગાડાના માથા તેમજ ગળાના ભાગે ઉપરા છાપરી દસ કરતા વધુ પાવડાના ઘા ઝીંકી દીધા હતા. લાલા સંગાડાએ ઘટના સ્થળ પર દમ તોડી દીધો હતો અને બાદમાં યુવક હસતો હસતો બહાર નીકળી ગયો હતો. યુવકે લોહીથી ખરડાયેલા પાવડાને વસ્ત્રાપુર લેકના ગેટ પાસે મુકી દીધો હતો અને બાદમાં બીન્દાસ કઇ બન્યુજ ના હોય તે રીતે પીઝાની હોટલમાં જઇને નોકરી પર લાગી ગયો હતો. પોલીસે મોડીરાતે યુવકની ધરપકડ કરી લીધી હતી અને તેની મેરેથોન પુછપરછ કરી હતી.પુછપરછ દરમિયાન તે સાયકો હોવાનું સામે આવ્યુ છે જેથી પોલીસે તપાસ તેજ કરી છે. બેંકના સીસીટીવી ફુટેજમાં સાયકો કિલરનો ભાંડો ફૂટ્યો છે. લાલા સંગાડાની હત્યા કર્યા બાદ યુવક સીધો પોતાની હોટલમાં પહોચી ગયો હતો અને કપડા બદલી નાખ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે યુવક હોટલમાં નોકરી કરતો હતો પરંતુ થોડા સમય બાદ તે વસ્ત્રાપુર લેક પર આંટો મારવા લાગ્યો હતો જેથી પોલીસને તેની હરકતો શંકાસ્પદ લાગી હતી. પોલીસે એક પછી એક વિવિધ જગ્યાના સીસીટીવી ફુટેજ મેળવવાના શરૂ કરી દીધા હતા. છેલ્લા પોલીસ બેંકના સીસીટીવી ફુટેજ મેળવી લીધા હતા. જેમાં યુવક પિઝાની દુકાનમાં જતો દેખાઇ આવ્યો હતો.