Today Gujarati News (Desk)
સુરત શહેરના સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા એવા નવા કતારગામ વિસ્તારમાં એક રત્નકલાકાર અને હાઉસ વાઈફની સાડા ત્રણ વર્ષની પુત્રી બોલતી થઈ ત્યારથી જ વિદેશી લહેકામાં અંગ્રેજીમાં વાત કરતા કુતુહલ ઉભુ થયું છે. આ છોકરીના ઘરમાં કે આસપાસ અંગ્રેજીમાં કોઈ વાત નથી કરતું છતાં બાળકી વિદેશમાં બોલતા લહેકામાં અંગ્રેજીમાં જ વાત કરતાં આશ્ચર્ય સર્જાયું છે.
પરિવારનો કોઈ પણ સભ્ય ક્યારેય વિદેશ નથી ગયો કે વિદેશમાં વાત કરતા નથી તેમ છતાં કાંટા ચમચી થી ભોજન કરવું અને વિદેશી રહેણીકહેણીમાં રહેતી આ છોકરીનો પુનર્જન્મ છે કે કુદરતનો ચમત્કાર ? તેવી ચર્ચા સાથે પરિવારની દ્વીધા વધી રહી છે. સુરતના નવા કતારગામ વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતાં પરેશભાઈ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અમૃતપુર ગામના વતની છે. તેઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે રત્ન કલાકાર પરેશભાઈનો અભ્યાસ ધોરણ 8 સુધીનો છે અને તેમની પત્ની નેન્સીનો અભ્યાસ ધોરણ 12 સુધીનો છે.
આ બન્નેને લગ્ન જીવનમાં સાડા ત્રણ વર્ષ પહેલાં લક્ષ્મીજી તરીકે દિકરી અવતર્યા હતા અને તેમનું નામ શ્રીશા રાખવામા આવ્યું હતું. અન્ય મા બાપની જેમ દિકરી બોલતી હોય ત્યારે દાદા-દાદી કે મમ્મી, પપ્પા કે કાલીઘેલી ગુજરાતી અથવા કાઠીયાવાડી ભાષામાં બોલે તેવો હોશ દરેક મા બાપને હોય છે. પરંતુ આ દિકરી બોલતી થઈ ત્યારથી જ અંગ્રેજી ભાષા અને તે પણ વિદેશી લહેકામાં બોલતી હોવાથી માતા-પિતાને ભારે આશ્ચર્ય થયું હતું. પહેલા એવું લાગ્યું કે એકાદ બે શબ્દ બોલશે અને ત્યાર બાદ ફરીથી ઘરમાં બધા બોલે છે તેવી રીતે વાત કરે. પરંતુ શ્રીશા જેમ જેમ મોટી થાય છે તેમ તેમ વધુ સારી રીતે વિદેશી અંગ્રેજી લહેકામાં જ વાત કરી રહી છે.
પિતા પહેશભાઈ કહે છે, અમારા ઘરમાં અંગ્રેજી કોઈને આવડતું નથી એટલે અંગ્રેજી બોલવાનો સવાલ જ નથી અને દોઢેક વર્ષથી ટીવીનો ઉપયોગ પણ નથી અને અમે દીકરીને વધુ મોબાઈલ પણ આપતા નથી. તેમ છતાં પણ દિકરી આવી રીતે વાત કરે છે તેના કારણે આશ્ચર્ય છે.