Today Gujarati News (Desk)
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગઈકાલે થયેલા આતંકી હુમલાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો. જેમાં ત્રણ આતંકી વિદેશી અને બે સ્થાનિક હતા. એ વાત પણ સામે આવી છે કે, હુમલાનો હેતુ G-20 બેઠક પહેલા ભય પેદા કરવાનો હતો. આ મામલામાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
NIA અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી
જવાનો પર થયેલા આતંકી હુમલાની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને 8 સભ્યોની ફોરેન્સિક ટીમ પૂંછ પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સવારે સમગ્ર વિસ્તારની તપાસ કરવા ગઈ હતી.
રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા
આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ અને સિપાહી સેવક સિંહ પંજાબના રહેવાસી હતા, જ્યારે લાન્સ નાઈક દેબાશિષ ઓડિશાના રહેવાસી હતા.
G-20 સમિટ પહેલા ભયની સ્થિતિ બનવાનો પ્રયાસ
ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાવાની છે. જેમાં શ્રીનગર અને લેહમાં બે બેઠકો યોજાશે. આ બેઠક લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે. આ બેઠક પહેલા હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. પાકિસ્તાને પણ આ બંને બેઠકો પર વાંધો ઉઠાવ્યો છે.