Today Gujarati News (Desk)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત જોડો યાત્રા ગુરુવારે સાંજે જમ્મુમાં પ્રવેશ કરી ગઈ હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે રાહુલ ગાંધી પ્રથમ વખત જેકેટ પહેરીને યાત્રામાં જોડાયા હતા. જમ્મુમાં પ્રવેશતાની સાથે જ પૂર્વ CM ફારુક અબ્દુલ્લાહે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શંકરાચાર્ય પછી આવી યાત્રા કરનાર તે બીજી વ્યક્તિ છે. અબ્દુલ્લાહે એમ પણ કહ્યું કે આ રામ અને ગાંધીનો દેશ છે.
સદીઓ પહેલાં શંકરાચાર્ય પગપાળા યાત્રા કરીને આવ્યા હતા
અહેવાલ અનુસાર ફારુક અબ્દુલ્લાહે કહ્યું કે સદીઓ પહેલાં શંકરાચાર્ય અહીં આવ્યા હતા. તેમણે એવા સમયે પગપાળા યાત્રા કરી હતી જ્યારે વ્યવસ્થિત માર્ગો પણ નહોતા અને જંગલો જ હતા. તે કન્યાકુમારીથી અહીં કાશ્મીર સુધી આવ્યા હતા. તેમના પછી રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે જેમણે એ જ કન્યાકુમારીથી પગપાળા યાત્રા યોજી અને કાશ્મીર પહોંચ્યા છે.
વિવિધ ધર્મના લોકોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે
કાશ્મીરી નેતાએ કહ્યું કે યાત્રાનો ઉદ્દેશ્ય નફરત વિરુદ્ધ દેશને એકજૂટ કરવાનો છે. આ ગાંધી અને રામનો દેશ છે. જ્યાં આપણે બધા એક છીએ. તેમણે કહ્યું કે ઉદ્દેશ્ય ભારતને એકજૂટ કરવાનો જ છે. ભારતમાં નફરત પેદા કરાઈ રહી છે અને વિવિધ ધર્મના લોકોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે.